જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતાં અને ખેતમજૂરી કામ કરતા પરિવારની પુત્રી અને તેણીના જ પિતરાઈ વચ્ચે થયેલા પ્રેમ સંબંધમાં બંને જણા લગ્ન કરી શકે તેમ ન હોવાથી મનમાં લાગી આવતા પ્રેમી પિતરાઈ ભાઇ-બહેને સજોડે ભરતપુર ગામની નદીના કાંઠે ખરાબાની જગ્યામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં બંનેના મોત નિપજ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી.
કરૂણ ઘટનાની વિગત મુજબ, જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા કાનજીભાઇ છગનભાઈ સવાસડિયા નામના પ્રૌઢ તેના પરિવાર સાથે રહેતો હતો. દરમિયાન કાનજીભાઈના જામનગરમાં હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતા પિતરાઇ ભુપતભાઈના અવસાન બાદ તેનો પુત્ર અજય ભુપતભાઈ સવાસડિયા (ઉ.વ.26) તેના કાકા કાનજીભાઈના ઘરે રહેતો હતો. દરમિયાન અજયને તેની પિતરાઇ બહેન સુધાબેન (ઉ.વ.19) સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. દરમિયાન કાનજીભાઈ દ્વારા તેની પુત્રી સુધાની સગાઈ ત્રણ માસ પહેલાં ધ્રોલ તાલુકાના કરાભંડી ગામમાં કરી હતી.
દરમિયાન પ્રેમી પિતરાઇ ભાઈ-બહેન અજય ભુપત સવાસડિયા (ઉ.વ.26) અને સુધાબેન કાનજીભાઈ સવાસડિયા (ઉ.વ.19) નામના બંનેના પ્રેમમાં પિતરાઈ ભાઈ-બહેન થતા હોવાથી લગ્ન કરી સાથે રહી શકે તેમ ન હોવાથી મનમાં લાગી આવતા બંનેએ સાથે મોત મીઠું કરવા ગુરૂવારે સાંજના સમયે જામનગર તાલુકાના ભરતપુર ગામમાં આવેલા રામાપીર મંદિરની બાજુમાં ઉંડ નદીના કાંઠા પાસે આવેલી ખરાબાની જગ્યામાં બંનેએ સજોડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા પીઆઇ જી.જે.ગામીત તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પોલીસે બંનેને બેશુધ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરી હોસ્પિટલમાં પિતરાઈ ભાઈ-બહેનના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે પોલીસે બંનેના મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મૃતક યુવતીના પિતા કાનજીભાઈના નિવેદનના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં અજય અને સુધા વચ્ચે પ્રેમ થયો હતો. પરંતુ યુવતીની સગાઈ થઈ ગઇ હોવાથી બંને લગ્ન કરી શકે સાથે રહી શકે તેમ ન હોવાથી સજોડે આત્મહત્યા કરતા બજરંગપુર ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.