દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાંથી થોડા સમય પૂર્વે આશરે રૂપિયા 26 લાખની કિંમતની 15000 થી વધુ બોટલ આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયા બાદ ખંભાળિયા પોલીસને આજરોજ આ પ્રકારની વધુ 4608 બોટલ સીરપનો જથ્થો સાંપડ્યો છે.
ખંભાળિયામાં આવેલા ચોખંડા – બજાણા રોડ પર ધરારનગર વિસ્તારમાં રહેતા સામત ખીમા જામ તથા નારણ ખીમા જામ નામના બે બંધુઓ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં આલ્કોહોલયુક્ત કેફી પીણાની આયુર્વેદિક સીરપની બોટલો રાખવામાં આવી હોવાની ચોક્કસ બાતમી અહીંના પોલીસ સ્ટાફને મળતા આ સ્થળે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં ચેકિંગ દરમિયાન જુદા જુદા બે નામની કુલ 4608 આયુર્વેદિક સીરપની બોટલ ભરેલા કાર્ટુન મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 6,91,200 ની કિંમતની આયુર્વેદિક સીરપ કબજે લઈ આ પ્રકરણમાં સામત ખીમા જામ (ઉ.વ. 33) ની અટકાયત કરી હતી. જોકે તેનો ભાઈ નારણ ખીમા જામ આ સ્થળે મળી ન આવતા તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીન અધિકૃત રીતે આલ્કોહોલવાળી કેફી પીણાની સીરપનું આયુર્વેદિક પ્રોડક્ટ તરીકે ખોટું જાહેર કરીને વેચાણ કરવામાં આવતું હોય, આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સ્ટાફ દ્વારા આવા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.