જામનગર શહેરના ખંભાળિયા રોડ પર મેહુલ સિનેમા સામે આવેલા પંપ નજીક મધ્યરાત્રિના સમયે પાંચ અજાણ્યા શખ્સોએ ટ્રક આગળ ઈકો કાર રાખી ધોકા અને પાઈપ વડે ચાલક સહિતના ત્રણ વ્યક્તિઓને લમધારી ટ્રકમાં તોડફોડ કરી રોકડ રકમ અને લૂંટના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા રબાની પાર્કમાં રહેતો અને ડ્રાઈવિંગો કરતો ફારૂક મહમદ ગઢકાઈ નામનો યુવાન બુધવારે મધ્યરાત્રિના 3:30 થી 3:45 દરમિયાન તેનો જીજે-36-ટી-9042 નંબરનો ટ્રક લઇને મેહુલ સિનેમેકસ સામેના સીએનજી પંપ પાસેથી પસાર થતો હતો તે દરમિયાન જીજે-37-બી-0748 નંબરની ઈકો કારે આવી ટ્રકને આડે રાખી તેમાંથી પાંચ અજાણ્યા શખ્સો ઉતર્યા હતાં અને ચાલક ફારુકને તે ટ્રક સાઈડમાં કેમ ઉભી ન રાખી તેમ કહી લાકડાના ધોકા અને પાઈપ વડે ફારુક ઉપર હુમલો કર્યો હતો. તેમજ ટ્રકમાં બેસેલા અનિશ અને કિશોરભાઈ નામના બે વ્યક્તિઓને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. ઉપરાંત પાંચ શખ્સોએ ધોકા અને પાઈપ વડે ટ્રકના કાચ તથા હેડલાઈન તોડી નાખ્યા હતાં અને ચાલકના ટ્રકમાં પડેલા પાકીટમાંથી રૂા.5000 ની રોકડની લૂંટ ચલાવી નાશી ગયા હતાં.
ત્યારબાદ ટ્રક ચાલક સહિતના ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ વાય.આર.જોશી તથા સ્ટાફે ફારુક ગઢકાઈના નિવેદનના આધારે પાંચ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.