કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતો પ્રૌઢ તેની બાઈક પર ધુડશિયા ગામના પાટીયા પાસેથી રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી કારે બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતાં બીજલભાઈ ઝાપડા નામના પ્રૌઢ મંગળવારે સાંજના સમયે તેના કૌટુંબિક રમેશભાઈ સાથે જીજે-10-એઆર-8954 નંબરના બાઈક પર જામનગર તાલુકાના ધુડશિયા નજીક કાલાવડ ધોરીમાર્ગ પર રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી જીજે-07-ડીસી-7592 નંબરના વાહનચાલકે બાઈકને ઠોકરે ચડાવી પછાડી દીધા હતાં. અકસ્માતમાં પછડાટ લાગતા બીજલભાઈ ઝાપડા નામના પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે રમેશભાઈને નાની મોટી ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતા પીએસઆઇ જે.પી.સોઢા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના પુત્ર નાગજીભાઈ ઝાપડાના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ઘવાયેલા રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતાં. તેમજ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.