જામનગર શહેરમાં મેહુલનગર વિસ્તારમાં હેર સલૂન ચલાવતા યુવાનની દુકાનમાં બે શખ્સોએ આવીને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા નંદનપાર્ક વિસ્તારમાં રહેતો કેતન ગુણવંતભાઈ મારુ નામના યુવાનની મેહુલનગર દેવપાર્ક સોસાયટીમાં આવેલી આનંદ હેરપાર્લર નામની દુકાનમાં ગુરૂવારે સવારના સમયે ભરત ત્રિભોવન અઘેરા અને બિપીનભાઈ નામના બે શખ્સોએ દુકાનમાં આવી કેતન સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી હાથમાં ઈજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને ભરતની પત્ની સાથે મિત્રતા હોવાથી બન્ને વચ્ચે ફોનમાં વાતચીત થતી હતી. જે અંગેની જાણ મહિલાના પતિને થઈ જતા યુવાનને માર મારી ધમકી આપી હતી.
બનાવ અંગે કેતને જાણ કરતા પીએસઆઈ જે એસ ગોવાણી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.