જામજોધપુર ગામમાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.27 હજારની કિંમતની 54 બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી હતી.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુર ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા હમીર લખુ મોવાણીયા નામના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોક ગાગીયાને મળેલી બાતમીના આધારે પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો પી પી જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, માનસંગભાઈ ઝાપડિયા, વલ્લભ ભાટુ સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.27000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 54 બોટલ મળી આવતા પોલીસે હમીર લખુ મોવાણીયા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં જૂનાગઢના પુંજા મેરા સામળા નામના રબારી શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં મીગ કોલોનીથી પાછલા તળાવ તરફ જવાના માર્ગ પરથી પસાર તથા બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલ અને રૂા.20,500 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા.27,500 ના મુદ્દામાલ સાથે રવિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ પ્રવિણસિંહ વાળા નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો નાઘેડીના અજય મેર દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફીયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટાફે અજય રાણા મેરના ઘરે તલાસી લેતા મકાનમાંથી રૂા.4500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 9 બોટલ મળી આવતા પોલીસે અજયની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 રોડ પર શંકરટેકરી વાલ્મિકી વાસમાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એસ એમ સિસોદિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન પપ્પુ ઉર્ફે તકદીર રાજેશ મકવાણાના મકાનની તલાસી લેતા મકાનમાંથી દારૂની બે બોટલ તથા 15 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા તેમજ બહાર પાર્ક કરેલા જીજે-10-ડીસી-3612 માંથી 10 નંગ દારૂના ચપલા મળી આવતા પોલીસે રૂા.23500 નો મુદ્દામાલ કબ્જે કરી પપ્પુની શોધખોળ આરંભી હતી.