આ વર્ષે ચોમાસાની સીઝનના પ્રારંભથી જ જામનગર શહેરમાં સૌથી વધુ વરસાદ વરસી જવાથી શહેરના મોટાભાગના રોડ મગરમચ્છની પીઠ જેવા બની ગયા છે. જો કે, તંત્ર દ્વારા નાના નાના ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ અમુક સ્થળોએ મુખ્ય રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે. જે કોઇ અકસ્માત થાય પછી જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં અનુપમ ટોકીઝથી ટાઉન હોલ તરફ જવાની ગોલાઈમાં જ રોડની વચ્ચોવચ્ચ સીમેન્ટનું ઢાંકણુ તૂટી ગયું છે અને માત્ર સળિયાઓ દેખાઇ છે. આ ખાડો અકસ્માતને નોતરે છે ! શહેરના માર્ગ પર વચ્ચે રહેલા આ ખાડા તરફ એક પણ તંત્રનું ધ્યાન નહીં ગયું હોય ? કે અધિકારીઓ આ રસ્તા પરથી પસાર થતા નથી ? અકસ્માતમાં કોઇ શહેરીજનનો ભોગ લેવાઈ પછી જ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે ? દુ:ખદ બાબત એ છે કે,શહેરના મોટાભાગના વનવેમાંથી બેરોકટોક વાહનચાલકો પસાર થતા હોય છે અને સામેથી અકસ્માતને આમંત્રણ આપતા હોય છે…!