ખંભાળિયા તાલુકામાં રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને મિત્રના મિત્ર હોવાનું જણાવીને એક શખ્સ દ્વારા રૂપિયા અડધો લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં આ શખ્સ લાપતા બની જતા આ અંગે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા સુખદેવસિંહ ચંદુભા વાઢેર નામના 26 વર્ષના યુવાનને ગત તારીખ 9 માર્ચના રોજ એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. સામે છેડે વાત કરતા યુવાને પોતાની ઓળખ રહીમ નામથી આપી હતી.
આ શખ્સ ફરિયાદી સુખદેવસિંહના મિત્ર સિદ્દીકભાઈનો મિત્ર હોવાનું ફોન પર વાત કરતા યુવાને જણાવી અને તેઓ સિદ્દીકભાઈ સાથે હાલ મુંબઈ છે તેમ કહી અને સિદ્દીકભાઈ તથા પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને સુખદેવસિંહને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ચોક્કસ રકમની માંગણી કરી આ ગઠીયા દ્વારા વોટ્સએપમાં ગૂગલ પે નું સ્કેનર મોકલ્યું હતું. જે મારફતે સામે છેડે રહેલા શખ્સના જણાવ્યા મુજબ સુખદેવસિંહે રૂપિયા 48,500 ટ્રાન્સફર કરી આપ્યા હતા.
આ રકમ મેળવ્યા બાદ આરોપી શખ્સે તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો અને પૈસા પાછા આપ્યા ન હતા. આ રીતે સોડસલાના રહીશ સુખદેવસિંહ ચંદુભા વાઢેર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ચોક્કસ નંબર ધરાવતા આ રહીમ નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 406 તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ પ્રકરણની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ ચલાવી રહ્યા છે.