જુની જંત્રીના દરની ડેડલાઇન જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વેચાણ કરારોના રજીસ્ટ્રેશનો વધતા જાય છે, અત્યારે રોજના લગભગ 6000 રજીસ્ટ્રેશનની સરેરાશ જોવા મળી રહી છે. રાજયભરમાં નવી જંત્રીના દરો 15મી એપ્રિલથી અમલમાં આવ્યા હતા. જો કે 15 એપ્રિલ અથવા તે પહેલા જેમણે સ્ટેમ્પ ખરીદી લીધા હોય તેમને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને તે સમય 15 ઓગષ્ટે પુરો થઇ રહ્યો છે. સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ એન્ડ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન જેનુ દિવાને કહ્યું કે રોજના લગભગ 6000 ટ્રાન્જેકશનો થઇ રહ્યા છે અને ટોકન ઇસ્યુ કરવાનું પણ વધી ગયું છે. તેમણે કહ્યું, ‘સેલ ડીડ રજીસ્ટર્ડ કરવાની ડેડલાઇન હવે આવી પહોંચી છે અને અમે સ્લોટ વધારી દીધા છે જેથી લોકો પોતાના બાકી રહેલા રજીસ્ટ્રેશનો કમ્પલીટ કરી શકે. નવા જંત્રી દરો અમલમાં આવ્યા તે પહેલા રોજના લગભગ 4500 રજીસ્ટ્રેશનો થતા હતા. અત્યારે રોજના 6000 રજીસ્ટ્રેશનો થાય છે.દિવાને વધુમાં કહ્યું કે નવા જંત્રી દરે પણ નોંધપાત્ર રજીસ્ટ્રેશનો થઇ રહ્યા છે. ક્રેડાઇ અમદાવાદના પ્રમુખ તેજસ જોષીએ કહ્યું, જેમણે 15 એપ્રિલ સુધીમાં સ્ટેમ્પ ડયુટી ચૂકવી દીધી હોય તેમને પ્રોપર્ટી સેલ ડીડનું રજીસ્ટ્રેશન કરવા માટે 120 દિવસ આપવાનો સરકારનો નિર્ણય ઘણા લોકો માટે રાહતરૂપ બન્યો છે. આવી મોટા ભાગની સંપતિઓના રજીસ્ટ્રેશન થઇ ચૂકયું છે અને ડેડલાઇન પુરી થવાના થોડા દિવસ અગાઉ એવી દોડાદોડી નહીં થાય.