જામનગર શહેરના દિગ્વીજય પ્લોટમાં જૈન દેરાસર પાસે રહેતાં વેપારી યુવાનના ઉદ્યોગનગરમાં આવેલા કારખાનામાં અવાર-નવાર થ્રી ફેસનો પાવર બંધ થઈ જવાની ફરિયાદ કરવા જતા પીજીવીસીએલના કર્મચારીએ ગાળો કાઢી ઝપાઝપી કરી મુંઢ ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 42 વિસ્તારમાં રહેતાં અને શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવતા મહાવીરભાઈ મનસુખલાલ ખીમસીયા નામના વેપારીના કારખાનામાં અવાર-નવાર થ્રીફેસનો પાવર બંધ થઇ જતો હતો જેના કારણે કારખાનામાં કામ થઈ શકતું ન હતું. અવાર-નવાર પાવર બંધ થઈ જવાની ફરિયાદ કરવા ઉદ્યોગનગરમાં આવેલી પીજીવીસીએલની કચેરી એ રજૂઆત કરવા ગયા હતાં તે દરમિયાન સોમવારે બપોરના સમયે પીજીવીસીએલના કર્મચારી હરીશ ચાન્દ્રાએ વેપારી યુવાન સાથે ઉશ્કેરાઈને ગાળો કાઢી ઝપાઝપી કરી હતી. તેમજ ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે હેકો એમ.એમ. જાડેજા તથા સ્ટાફે પીજીવીસીએલના કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.