વડોદરામાં રઘુવંશી યુવાનની જાહેરમાં હત્યા કરવામાં આવી હોય આ કેસના આરોપીઓ સામે તાકીદે ઉચ્ચકક્ષાના અધિકારીને તપાસ સોંપી આરોપીને મહત્તમ સજા કરાવવા ની માંગ સાથે વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન જામનગર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, વડોદરામાં રહેતાં રઘુવંશી યુવાન સચિન ઠકકર ની વાહન પાર્કિંગની સામાન્ય બાબતે સરાજાહેર હત્યા કરવામાં આવી છે. જેના સીસીટીવી ફુટેજ પણ સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયા છે. આ હત્યાના કેસમાં સંડોવાયેલ ત્રણ આરોપી પાર્થ પરીખ, વાસીક ઉર્ફે સાહિલ અજમેરી તથા વિકાસ લોહાણાની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર બાબતે વિરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ભરત કાનાબારે સમગ્ર ઘટનાને વખોડી કાઢી આ સમગ્ર બનાવની તપાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સોંપવા અને આ આરોપીઓની ટ્રાયલ વખતે કોઇ પૂરાવાનો નાશ ન થાય કે બનાવ કે હકીકત સાથે ચેડા ન થાય તે માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરવા અને આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગણી કરાઇ છે.
વધુમાં જણાવ્યું છે કે, આ યુવાન પારિવારિક જવાબદારીની સાથે સાથે સામાજિક કાર્યકર તરીકે અને વોર્ડ નં.11 ના ભાજપાના કાર્યકર તરીકે પણ જવાબદારી સંભાળતો હતો. જ્યારે સતાધારી પક્ષના સનિષ્ઠ કાર્યકરની સરાજાહેર હત્યા થતી હોય તો સામાન્ય નાગરિકોને ગુંડાગીરી સામે શું હાલત થતી હશે ? આથી આ અંગે કડક કાર્યવાહીની માંગણી કરાઇ છે.