જામનગરના વિદ્યોતેજક મંડળમાં ફરજ બજાવતો યુવાન તેના પરિવાર સાથે અમરનાથની યાત્રાએ ગયો હતો અને તે દરમિયાન ઓકસીજન લેવલ ઘટી જતા તેનું મૃત્યુ થયું હતું. યુવાનનું અમરનાથ યાત્રા દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા વિદ્યોતેજક મંડળમાં ફરજ બજાવતા કલ્પેશ નવનીતભાઈ ઝવેરી નામનો યુવાન તેના પત્ની અને પુત્રી સાથે અમરનાથની યાત્રાએ ગયા હતાં. તે દરમિયાન ગત તા.29 ના શનિવારે અમરનાથમાં ઉંચાઈ પર ઓકસીજન લેવલ ઘટી જતા ત્યાં સારવાર માટે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ યુવાનના મૃતદેહને જામનગર લઇ આવવામાં આવ્યો હતો. યુવાનના મોત થી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.