જામનગર શહેરમાંથી મોબાઇલ ચોરી આચરતા બે તસ્કરોને બે ચોરાઉ મોબાઇલ સાથે અને એક તસ્કરને ત્રણ મોબાઇલ તથા અન્ય એક તસ્કરને ચાર મોબાઇલ સહિત કુલ ચાર તસ્કરોને આઠ ચોરાઉ મોબાઇલ સાથે દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં થતી મોબાઇલ ચોરી ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી સી ડીવીઝન પોલીસે તપાસ આરંભી હતી. દરમિયાન હેકો નારણભાઈ સદાદીયા, પો.કો. હોમદેવસિંહ જાડેજા અને હર્ષદ પરમારને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે ગોકુલનગર રડાર રોડ પર સતવારા સમાજની વાડી પાસેથી અજય જેન્તી રાઠોડ અને વિજય ચના ચૌહાણ નામના બે તસ્કરોને દબોચી લઇ તેના કબ્જામાંથી રૂા.55 હજારની કિંમતના બે ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લીધા હતાં.
તેમજ ગોકુલનગર પાણાખાણ શેરી નં.2-3 ની વચ્ચેથી બાતમી મુજબના કોફી કલરનો ચેકસવાળો શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા સુરેશસિંહ ઉર્ફે મહાવીર સંજયસિંહ જાડેજા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી આધાર પુરાવા વગરના ત્રણ મોબાઇલ મળી આવ્યા હતાં. ઉપરાંત હેકો નારણભાઈ સદાદીયા અને પોકો યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ગોકુલનગર સાંઢીયા પુલ પાસેથી સની ભાણજી ગુજરીયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી 31 હજારની કિંમતના ચાર ચોરાઉ મોબાઇલ મળી આવતા કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.