Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાની પ્રાચીન ધરોહરોને મળશે મોર્ડન લુક : જૂની વીરાસતોની સારસંભાળ માટે રૂપિયા...

ખંભાળિયાની પ્રાચીન ધરોહરોને મળશે મોર્ડન લુક : જૂની વીરાસતોની સારસંભાળ માટે રૂપિયા સાડા ત્રણ કરોડ ફાળવાયા

ગઢની રાંગ, પ્રાચીન ગેટ, નવડેરા સહિતની હેરિટેજ ઇમારતોની થશે ખાસ જાળવણી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા શહેર કે જે રાજા રજવાડાના સમયનું વિકસિત થયેલું હોય, અહીં અનેક પ્રાચીન ઇમારતો સૌને જોવી ગમે તેવી છે. ખાસ કરીને શહેરના પાદરમાં આવેલા વિવિધ વિશાળ ગેટ, ગઢની રાંગ, વિગેરે સ્ટ્રક્ચર કે જે હાલ ખૂબ જ જર્જરિત બની ગયેલા હોય, તેના સાર સંભાળ તેમજ વિકાસ માટે સરકાર દ્વારા રૂ. સાડા ત્રણ કરોડ જેટલી રકમની ફાળવણી કરાયાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા શહેરના પ્રાચીન વિસ્તારો સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ, પોર ગેઈટ વિગેરે સ્થળોએ અગાઉના સમયમાં (રજવાડાના સમયમાં) રાત્રિના સમયે તોતિંગ દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હતા. કાળક્રમે આ બાબત હવે વિસરાઈ ગઈ છે. ત્યારે આ સ્થળે વિવિધ ગેઈટ, ગઢની રાંગ અને નવડેરાનું છૂપુ સૌંદર્ય હજુ પણ ઉડીને આંખે વળગે તેવું બની રહ્યું છે.

હાલ અત્રે દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ, પોર ગેઈટ તથા તેને સંલગ્ન ગઢની રાંગ તેમજ નવડેરાની જૂની ધરોહર ખૂબ જ ક્ષીણ હાલતમાં બની ગઈ છે. ત્યારે વયોવૃદ્ધ અને જૂની પેઢીના લોકો આવા સ્થળોનું સરકાર દ્વારા સંરક્ષણ કરવામાં આવે તેમ ઈચ્છી રહી છે.

- Advertisement -

આ મુદ્દે ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા સરકાર સમક્ષ પત્ર વ્યવહાર દ્વારા લેખિત રજૂઆતો કરી અને આ ઈમારતો માટે ખાસ રકમ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેરની આગવી ઓળખના કામ હેઠળ પ્રાદેશિક કમિશનર કચેરી – રાજકોટ તેમજ શહેરી વિકાસ વિભાગને કરવામાં આવેલી રજૂઆતો સાથે અહીંના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવા આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ અને ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વર્ષો જુના હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. 3.43 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી સાંપળી છે.

જે હેઠળ અહીંના ગઢની રાંગ, સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ, પોર ગેઈટ તેમજ નવડેરાના વિકાસમાં જાળવણી માટેની રકમ મંજૂર કરતો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ – ગાંધીનગરનો લેખિત પત્ર આજરોજ અહીંની નગરપાલિકા કચેરી ખાતે આવી ગયો છે. આમ, શહેરની વધુ કેટલીક પ્રાચીન ધરોહર આગવી ઓળખ રૂપ સંરક્ષિત થશે.
અહીંની જૂની ઇમારતો શહેરની આગવી ઓળખ બની રહે તે માટે ફાળવવામાં આવેલી આ નોંધપાત્ર રકમથી હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગેના રીનોવેશન માટે ટેન્ડરીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

- Advertisement -

રજવાડાના સમયની ગૌરવ રૂપ જી.વી.જે. હાઈસ્કૂલનું પોણા છ કરોડના ખર્ચે રીનોવેશન ચાલુ

આવી જ એક પ્રાચીન અને પ્રખ્યાત ઇમારત એવી શહેરની મધ્યમાં આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ કે જેમાં ભણીને ખ્યાતનામ ડોક્ટરો, વકીલો, જજ વિગેરે સમાજમાં મોભાનું સ્થાન મેળવી ચૂક્યા છે. તે આશરે પોણી સદી જૂની જી.વી.છે. હાઈસ્કૂલના બિલ્ડીંગના હેરિટેજ લુકને યથાવત રાખી અને રીનોવેશન માટે ફાળવવામાં આવેલા રૂ. પોણા છ કરોડના ખર્ચે હાલ વિશિષ્ટ રીતે કરાતું ટકોરાબદ્ધ રીતે કામ પૂરજોશમાં ચાલુ છે. જેને જોઈને અગાઉની પેઢીના લોકોની આંખ ઠરે છે.

હાલ શહેરની આગવી ઓળખરૂપ રજવાડાના સમયની ઇમારતો, બાંધકામની જાળવણી માટે સરકાર તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયત આવકારદાયક બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular