જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા શૈફીબ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાંથી તેમાં જ મજુરી કરતા શખ્સે રૂા.37,500 ની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન ચોરી કરી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર શેડ નં.350/2 મા આવેલા શૈફીબ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં મજૂરી કામ કરતા ઈશુબ સુમરા નામના શખ્સે મજૂરી કામના એક માસ દરમિયાન સમયાંતરે કારખાનામાંથી રૂા.37500 ની કિંમતના પીતળ વનપીસના 75 કિલો પીતળ ચોરી કરી ગયો હતો આ ચોરીની જાણ થતા કારખાનેદાર ગુલામહુશેન સંઘારે પોલીસમાં ઇશુબ સુમરા વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરમાં વહેવારીયા મદ્રેસા પાસેથી પસાર થતા અબ્દુલસકુર લીયા નામના વેપારી યુવાનના પેન્ટના ખીસ્સામાં રહેલો રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હોવાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી. જેના આધારે હેકો જી.વી.ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.