લાલપુર તાલુકામાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને કારણે ખેડુતોની જમીનમાં થયેલ ધોવાણ અને ઉભા ખરીફ પાકને પહોંચેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે, લાલપુર તાલુકામાં 19 જુલાઈના રોજ અતિભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોની જમીન અને પાકને ભારે નુકસાન થયું છે. જે અંગે હજુ સુધી કોઇ સર્વે કરવામાં આવ્યો નથી. પરિણામે દુવિધામાં મુકાયેલા ખેડૂતો જમીનના સમારકામ અંગે ચિંતીત બન્યા છે. અગાઉ પણ લાલપુર તાલુકામાં કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. ત્યારે પણ સ્ટાફના અભાવે સર્વેનું કાર્ય મોડું હાથ ધરવામાં આવતા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી ન હતી. ત્યારે તાજેતરના વરસાદથી થયેલા ધોવાણ અંગે તાકીદે સર્વે હાથ ધરી ખેડૂતોને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવા માંગણી કરવામાં આવી છે.