જામનગર શહેર-જિલ્લામાં છૂટોછવાયો વરસાદ અવિરત રહ્યો હતો. જેમાં જોડિયા તાલુકાના બાલંભામાં સૌથી વધુ બે ઇંચ અને કાલાવડમાં અડધો તથા જામનગર શહેરમાં જોરદાર ઝાપટાં પડયા હતાં.
આ વર્ષે ચોમાસાની સીઝનમાં જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન હોય જે રીતે સમયાંતરે ભારેથી અતિભારે તથા સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આજેસવારે 6 વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાક દરમિયાન જોડિયા તાલુકાના પીઠડ ગામમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપરમાં પોણો ઈંચ અને કાલાવડના નિકાવા તથા મોટા વડાળા, લાખાબાવળ અને જામવણથલીમાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું. જ્યારે કાલાવડમાં અડધો ઇંચ અને જામનગર શહેરમાં જોરદાર ઝાપટું તથા જોડિયા, ધ્રોલ અને જામજોધપુરમાં સામાન્ય છાંટા પડયા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વસઈ, ફલ્લા, મોટી ભલસાણ, અલિયાબાડા, જાલિયાદેવાણી, ધુનડા, પીપરટોડા અને ભણગોરમાં સામાન્ય છાંટા પડયાના અહેવાલ છે.