જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં યુવતીને પરેશાન કરવાની બાબતે બે જૂથ વચ્ચે ગત રાત્રિના સમયે સામસામી સશસ્ત્ર અથડામણમાં પોલીસે બંને પક્ષની સામસામી હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
જીવલેણ હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસકોલોની બ્લોક નં.38 રૂમ નં.5 માં રહેતા અને જમીન મકાન લે વેચનો વ્યવસાય કરતા રણજીતસિંહ પોપટભા જાડેજા નામના પ્રૌઢનો પુત્ર કુલદિપસિંહ તેના ઘર પાસે બેઠો હતો તે દરમિયાન ગુરૂવારે રાત્રિના સમયે સંજયસિંહ ભરતસિંહ વાઢેર, મેહુલ દરબાર, મનુ ભાનુશાળી, પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા, મનિષ લક્ષ્મીદાસ ગજરા અને અજાણ્યા સહિતના છ શખ્સોએ એકસંપ કરી કુલદિપસિંહને અપશબ્દો બોલતા કુલદિપસિંહ તેના ઘરે જતો રહ્યો હતો અને તેના પિતાને આ બાબતની જાણ કરી હતી તે દરમિયાન છ શખ્સોએ પ્રૌઢના ઘરે આવી પ્રૌઢ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રૌઢને હાથમાં તથા નાક ઉપર ગંભીર ઈજા પહોંચી હતી. ઉપરાંત લાકડાના ધોકા વડે કુલદિપસિંહ ઉપર આડેધડ હુમલો કર્યો હતો. તેમજ ઘરમાં રહેલા ટીવી, ફ્રીજ અને રીક્ષામાં તોડફોડ કરી હતી.
તેમજ સામાપક્ષે પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા નામના યુવાનની સાળીને કુલદિપસિંહ રણજીતસિંહ જાડેજા નામનો શખ્સ પરેશાન કરતો હોવાથી સમજાવવા જતા રણજીતસિંહ પોપટભા જાડેજા, કુલદિપસિંહ રણજીતસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, અભીરાજસિંહ નવુભા જાડેજા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી પવી ને અપશબ્દો બોલી છરી વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં પોલીસે રણજીતસિંહ પોપટભા જાડેજાની સંજયસિંહ ભરતસિંહ વાઢેર, મેહુલ દરબાર, મનુ ભાનુશાળી, પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા, મનિષ લક્ષ્મીદાસ ગજરા અને અજાણ્યા સહિતના છ શખ્સો સામે રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બંને પક્ષ દ્વારા કરાયેલા સામસામા જીવલેણ હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે સામા પક્ષે પ્રવિણ ઉર્ફે પવી ગજરાના નિવેદનના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા તથા સ્ટાફે રણજીતસિંહ પોપટભા જાડેજા, કુલદિપસિંહ રણજીતસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, અભીરાજસિંહ નવુભા જાડેજા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસે હત્યાનો પ્રયાસ અને હુમલાનો ગુનો નોંધી બંને પક્ષની સામસામી ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.