Sunday, October 20, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકમાં વધુ સવા ત્રણ ઈંચ વરસાદ

ખંભાળિયા પંથકમાં વધુ સવા ત્રણ ઈંચ વરસાદ

- Advertisement -

હાલારમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સામાન્ય ઝાપટાંથી સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયા પંથકમાં સૌથી વધુ સવા ત્રણ ઈંચ પાણી પડી ગયું છે. જ્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર અને હરીપરમાં બે-બે ઈંચ છાંટા, ભલસાણ બેરાજામાં દોઢ અને જોડિયા તથા જામજોધપુરના જામવાડીમાં સવા-સવા ઈંચ પાણી વરસી ગયું છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં નોંધપાત્ર સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કલ્યાણપુર તથા ભાણવડ પંથકમાં હળવા ઝાપટા નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બુધવારે બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 81 મી.મી. પાણી પડી ગયું હતું. જેના પગલે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. આટલું જ નહીં, ખંભાળિયા તાલુકાના જુદા-જુદા ગ્રામ્યમાં વિસ્તારોમાં પણ ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા હતા અને ચેકડેમો તેમજ અનેક જળ સ્ત્રોતો છલકાઈ ગયા હતા. જો કે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં નોંધપાત્ર આવક થઈ ન હતી.

આ સાથે કલ્યાણપુર તાલુકામાં આઠ મિલીમીટર અને ભાણવડ તાલુકામાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં નોંધપાત્ર વરસાદ નથી. આજે સવારે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 538 મિલીમીટર (64.28 ટકા), દ્વારકા તાલુકામાં 318 મિલીમીટર (58.78 ટકા), ભાણવડ તાલુકામાં 222 મિલીમીટર (30.37 ટકા) અને કલ્યાણપુર તાલુકામાં 259 મિલીમીટર (29.74 ટકા) વરસાદ વરસી ગયો છે. આ સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 44.87 ટકા થઈ ચૂક્યો છે. હાલ જિલ્લામાં સર્વત્ર વ્યાપક અને માફકસર વરસાદ થઈ જતા પાક-પાણીનું ચિત્ર ઊજળું જોવા મળી રહ્યું છે. ગત સાંજથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘ વિરામ રહ્યો છે. આજે સવારે ખંભાળિયા પંથકમાં ઉઘાડ સાથે થોડો સમય સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

- Advertisement -

જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઈંચ જેટલું પાણી વરસ્યું છે. જેમાં લાલપુર તાલુકાના મોડપર અને હરીપર ગામમાં બે-બે ઈંચ વરસાદ પડયો છે તથા કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ જોડિયા ગામમાં આજે સવારે છ વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન સવા ઈંચ અને જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં સવા ઈંચ પાણી પડયું હતું તથા લાલપુર અને જામજોધપુરમાં અડધો-અડધો ઈંચ તેમજ જામનગર શહેર અને ધ્રોલમાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં. જોડિયા તાલુકાના હડિયાણા, બાલંભા, કાલાવડ તાલુકાના નવાગામમાં પોણો-પોણો ઈંચ પાણી વરસ્યું હતું.

તેમજ જામજોધપુર તાલુકાના વાંસજાળિયા, લાલપુર તાલુકાના પીપરટોડા, ભણગોર, કાલાવડ તાલુકાના મોટા વડાળા, જામનગરની મોટી ભલસાણમાં અડધો-અડધો ઇંચ ઝાપટાંરૂપે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના મોટા ખડબા, જામજોધપુરનું પરડવા, શેઠવડાળા, સમાણા, ધુનડા, ધ્રાફા, લાલપુર તાલુકાના પડાણા અને જામનગર તાલુકાના મોટી બાણુંગાર, ફલ્લા, દરેડ તેમજ ધ્રોલના જાલિયદેવાણી, લૈયારામાં છુટાછવાયા ઝાપટાં પડયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular