કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે,આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. 14 ફેબ્રુઆરીથી 06 માર્ચ, 2023 સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું.આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તા.14/02/2023 થી તા. 31/05/2023 સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. 26/07/2023 સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.