જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 3 માં આવેલા કારખાનામાં પતરા ચડાવાવનું કામ કરતા સમયે અકસ્માતે પગ લપસી જતાં નીચે પટકાતા જમીનમાં રહેલા લોખંડનો પોલ છાતીમાં ઘુસી જતાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્ર્વરમાં પાણાખાણ ગરીબનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતા અબ્બાસ હારુનભાઈ છેર (ઉ.વ.50) નામના પ્રૌઢ મંગળવારે સવારના સમયે દરેડ જીઆઇડીસી ફેસ-3 માં આવેલા હાઈટેક એજ્યુકેશન નામના બ્રાસના કારખાનામાં પતરા ચડાવવાનું કામ કરતા હતાં તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા જમીનમાં રહેલો લોખંડનો પોલ પ્રૌઢની છાતીમાં ઘુસી જતાં ગંભીર ઇજા પહોંચતા બેશુદ્ધ થઈ ગયા હતાં. બનાવની જાણ કરાતા 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવવી પહોંચી હતી અને તપાસતા પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની સિદિકભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ પી.બી. ગોજિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.