જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અને ઇલેકટ્રીક કામ કરતો યુવાન ટી.બી. હોસ્પિટલ પાછળના વિસ્તારમાં થાંભલ ચડી રીપેરીંગ કરતા સમયે વીજશોક લાગતા નીચે પટકાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતાં પ્રૌઢા બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતો અને ઇલેકટ્રીક કામ કરતો અબ્દુલ કાદર ઈસાભાઈ થૈયમ (ઉ.વ.41) નામનો યુવાન ગત ગુરૂવારે સવારના સમયે ટી.બી. હોસ્પિટલ પાછળના પટેલવાડી શેરી નં.3 માં રહેતાં અમિતભાઈના ઘરે લાઈટ ન હોવાથી રીપેરીંગ કામ માટે અબ્દુલ થૈયમ વીજ થાંભલા ઉપર ચડી લાઇટ રીપેર કરવા ગયો ત્યારે એકાએક વીજશોક લાગતા થાંભલા પરથી નીચે પટકાતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે આમદભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના નાગેશ્વર પાર્કમાં નાગના રોડ પરના વિસ્તારમાં રહેતાં ભાનુબેન ભરતભાઈ વોરા (ઉ.વ.55) નામના પ્રૌઢા રવિવારે બપોરના સમયે તેમના ઘરે અચાનક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિનુભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.