જામજોધપુર તાલુકાના સતાપર ગામના વાડી વિસ્તારમાં રહેતો યુવાન તેની બાઈક પર જતો હતો તે દરમિયાન રસ્તામાં બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી ઇજા પહોંચતા યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સતાપર ગામના વાડી વિસ્તારમાં રહેતો અશ્વિન બાબુભાઈ લુદરીયા (ઉ.વ.33) નામનો યુવાન ગત તા.23 ના રોજ રાત્રિના સમયે તેના બાઈક પર નવા સતાપર ગામથી તેના ખેતર તરફ જતો હતો ત્યારે રસ્તામાં હેરમા સ્કૂલ પાસે પહોંચ્યો તે સમયે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી નીચે પટકાતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શનિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રાજેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.મેઘનાથી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ આરંભી હતી.