દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા માલધારી મંગાભાઈ પાલાભાઈ નાગેશના ભાઈ હરદાસભાઈ ગામના બોખીરા ડેમ પાસે ઘેટા-બકરા ચરાવી રહ્યા હતા, તે દરમિયાન આ જ ગામનો સંજય સનાભા માણેક નામનો શખ્સ તેની પાસે આવ્યો હતો અને તેમને કહેલ કે “આ ડેમ પાસેની બધી જમીન મારી છે. અહીં ઘેટા બકરા ચરાવવા નહીં” તેમ કહી અને ફરિયાદી મંગાભાઈના ભાઈ હરદાસભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યાર બાદ હરદાસભાઈ નાગેશ ડેમના કાંઠે ખરાબાની જમીનમાં પોતાના ઘેટા બકરા ચરાવતા હતા તે દરમિયાન સંજય સાથે કારૂભા સનાભા માણેક અને વિજય સનાભા માણેક નામના ત્રણેય શખ્સોએ છકડા રિક્ષામાં આવી અને કુહાડા તથા લાકડી વડે તેમના પર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી, ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને લોહી લોહાણ હાલતમાં વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ત્રણેય શખ્સો આઈ.પી.સી. કલમ 307, 323, 324, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.