ઓખાની મેઈન બજાર ખાતે ટાઉનશિપ વિસ્તારમાં પ્રકાશ ચત્રભુજ રાઠોડ તથા આદર્શ પ્રકાશ રાઠોડ નામના બે શખ્સો દ્વારા આ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી યુવાન નિલેશભાઈ ભગવાનદાસ વિઠલાણીની દુકાનની આગળ સરકારી ફૂટપાથ ઉપર નાસ્તાની રેંકડી રાખી, આ બંને શખ્સો દ્વારા આ વિસ્તારમાં આવતા-જતા રાહદારી લોકોને અવરોધ રૂપ થાય તેમજ જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રાખી અને અહીં કોમન ચાલનો ગેટ તથા દિવાલ તોડી પાડવામાં આવી હતી.
આરોપી શખ્સોએ આ સ્થળે અપપ્રવેશ કરી અને કેબિન મૂકી, ફરિયાદી નિલેશભાઈ વિઠલાણીની માલિકીની જગ્યા તેમજ દુકાનોના સંકુલની કોમન ચાલની જગ્યા પચાવી પાડી, આ અંગે ફરિયાદી નિલેશભાઈ તથા અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકીને જો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ તેમજ આઈ.પી.સી. કલમ 283, 323, 504, 506 (2), 427, 447 તથા 341 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.