જામનગર શહેરના કૃષ્ણનગર, શક્તિ સોસાયટી વિસ્તારમાં રહેતા શખ્સે એક્ટિવાની ચોરી કરી આ એક્ટિવામાં ખોટી નંબર પ્લેટ લગાવી તેના ઉપરથી આરસી બુક બનાવી વેચી માર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કૃષ્ણનગર શક્તિ સોસાયટી શેરી નં. 4માં રહેતા છગનભાઇ જેઠાભાઇ ગજરા નામના યુવાનને જીજે-10 સીએ-1420 નંબરની રૂા. 30 હજારની કિંમતની એક્ટિવા મોટરસાયકલ 2022 ઓકટોબર મહિનામાં તેના જ વિસ્તારમાં રહેતા રવિભારથી ભગવાનજી ગોસ્વામી નામના શખ્સે ચોરી કરી લીધુ હતું. એક્ટિવાની ચોરી કરી તેમાં જીજે-10 સીકયુ-2375 નંબરની બોગસ નંબર પ્લેટ લગાડી હાપા વિસ્તારમાં રહેતાં કિશોર કનૈયાલાલ ત્રિવેદી નામના યુવાનને વિશ્ર્વાસમાં લઇ આ એક્ટિવા વેચી નાખ્યું હતું. તેમજ રવિભારથીએ એક્ટિવામાં ખોટી નંબર પ્લેટ લગાડી તેના પરથી આરસી બુક બનાવડાવી બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. ચોરી કરેલા એક્ટિવાને વેચાણ કરી નાખ્યાના બનાવની જાણ થતાં પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે રવિભારથી ગોસ્વામી નામના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.