જામનગરના ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર જાવિયા ગામના પાટીયા નજીકથી એસઓજીને મળેલી બાતમીના આધારે છળકપટથી મેળવેલી આઇ-20 કાર સાથે ચાર શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ એસઓજીના રાજેશ મકવાણા, શોભરાજસિંહ જાડેજા, અનિરુધ્ધસિંહ ઝાલા, હર્ષદ ડોરીયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર અને આર.એચ. બાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાઇવા ગામના પાટીયા નજીક આશાપુરા હોટલના પાર્કિંગમાં રહેલી ગોલ્ડન કલરની જીજે-02-એપી-3582 નંબરની આઇ-20 કાર ચોરી અથવા છળકપટથી મેળવી લીધી હોવાની જાણના આધારે એસઓજીની ટીમે જય ભરતસિંહ રાઠોડ (સુરત), હાર્દિક વિજય પરમાર (ભાવનગર), જય દિનેશ દવે (ભાવનગર), સુરેશ ઉર્ફે અંકુશ લાલા અલગોતર (ભાવનગર) નામના ચાર શખ્સોને આંતરીને તેની પાસેથી કારના દસ્તાવેજો માગતાં આધાર-પુરાવા ન હોવાથી શક પડતી મિલકત તરીકે રૂા. દોઢ લાખની કિંમતની આઇ-20 કાર કબજે કરી હતી.
એસઓજીની ટીમે કાર્યવાહીમાં કાર કબજે કરી પૂછપરછ હાથ ધરતાં સુરેશ ઉર્ફે અંકુશ લાલા અલગોતર નામનો શખ્સ રાયોટિંગના ગુનામાં ભાવનગર જિલ્લામાં નાસતો-ફરતો હતો. તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ધમકી, મારામારી અને પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયેલા હોવાથી એસઓજીએ શખ્સોને ભાવનગરને સોંપવા તજવીજ હાથ ધરી હતી.