કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામની સીમમાં આવેલી ભાયુભાગની ખેતીની જમીન બાજુબાજુમાં હોવાથી સ્વતંત્ર રસ્તો હોવા છતાં યુવાનના ખેતરમાંથી ચાલતા હતાં તેમજ યુવાન ખેતરના પાણીના નિકાલ માટે પાળો સરખો કરતા હોવાથી બે ભાઈઓએ બોલાચાલી કરી દંપતીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં કુંભનાથપરા વિસ્તારમાં રહેતાં ગૌતમભાઈ વાટલિયા અને દિપક વાટલિયાની ભાયુભાગની ખેતીની જમીન કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડિયા ગામની સીમમાં બાજુ-બાજુમાં આવેલી હતી. આ જમીનમાં ખેતરમાં જવા માટે સ્વતંત્ર રસ્તો હોવા છતાં દિપક રામજી વાટલિયા અને અશ્ર્વિન રામજી વાટલિયા નામના બે ભાઈઓ ગૌતમના ખેતરમાંથી ચાલતા હતાં. તેના કારણે ખેતીલાયક જમીનમાં નુકસાન થતું હતું. ઉપરાંત ગૌતમની જમીનમાં વરસાદી પાણીનો નિકાલ દિપકના ખેતરમાંથી થતો હોવાથી દિપકે સેઢે પાળો કરી નાખ્યો હતો. જેથી ગૌતમ વાટલિયાએ તેના ખેતરના પાણીના નિકાલ માટે પાળો સરખો કરવાની બાબતે દિપક અને ગૌતમ વચ્ચે બોલાચાલી થવાથી દિપક અને અશ્ર્વિન રામજી વાટલિયા નામના બે ભાઈઓએ ઉશ્કેરાઈને રવિવારે સવારના સમયે ગૌતમ જયંતીભાઈ વાટલિયા તથા તેની પત્ની કિરણબેનને જેમ ફાવે તેમ અપશબ્દો કહ્યાં હતાં.
તેમજ દંપતીને બંને ભાઈઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો તથા અશ્ર્વિને લાકડાના ધોકા વડે દંપતી ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એન.કે. છ્ તથા સ્ટાફે કિરણબેનના નિવેદનના આધારે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.