દ્વારકા જિલ્લાના આરંભડા ગામમાં રહેતાં યુવાનના મોબાઇલ નંબર ઉપર વોટસએપ દ્વારા ફોન કરી ક્રેડીટ કાર્ડનો પ્લાન બંધ કરાવવા બાબતે ઓટીપી માંગી ખાતામાંથી રૂા.1.29 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાણખાણીયા નામના 30 વર્ષના સોરઠીયા પર પ્રજાપતિ યુવાનને ગત તા. 6 જૂનના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ મારફતે એક આસામીનો ફોન આવ્યો હતો. જેમાં જીતેન્દ્રભાઈને વિશ્ર્વાસમાં લઈ અને તેમના ક્રેડિટ કાર્ડમાં ચાલુ પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવા માટે મોબાઈલ ફોનમાં આપેલો ઓ.ટી.પી નંબર માંગી અને આ ઓટીપી મારફતે ક્રેડિટ કાર્ડમાંથી જુદા જુદા બે ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા 99,000 તથા રૂપિયા 30,000 મળી કુલ રૂ. 1,29,000 ઉપાડી લેવામાં આવ્યા હતા.
ચોક્કસ એપ્લિકેશન મારફતે જુદા-જુદા બે ટ્રાન્જેક્શન કરીને રૂા. 1.29 લાખની છેતરપિંડી થવા સબબ ગેરેજ સંચાલક જીતેન્દ્રભાઈ પાણખાણીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 406, 420 તથા મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.