બિપોરજોય વાવાઝોડું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ખાનાખરાબી સર્જી ગયું છે. ખંભાળિયામાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થવા સાથે માલ-મિલકતને નુકસાની થવા પામી છે. આ પરિસ્થિતિમાં વરસેલા ભારે વરસાદના કારણે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતાં ઘી ડેમ ઉપરાંત નાના-મોટા જળાશયોમાં પણ નવા પાણીની નોંધપાત્ર આવક થવા પામી છે.
ગુરૂવાર તથા શુક્રવારના વાવાઝોડા તથા સાથે વરસેલા ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી-પાણી જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે ખંભાળિયા પંથકના વાડી વિસ્તાર તેમજ નાના ચેકડેમમાં જાણે ઘોડાપૂર ઉમટ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે અનેક નાના ચેક ડેમો ભરાઈ ગયા હતા. જ્યારે બોર-કુવા, અન્ય ચેક ડેમમાં પણ પાણીની ધીંગી આવક થવા પામી હતી.
આ સાથે ખંભાળિયા શહેરને પીવાનું પાણી તથા આસપાસના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પણ આ વરસાદના કારણે આશરે અઢી ફૂટ જેટલા નવા પાણીની આવક થવા પામી હતી. નવા આવેલા આ પાણીનો જથ્થો શહેરને બે માસ સુધી પાણી પૂરું પાડી શકશે.
વાવાઝોડાના કારણે વીજ વિક્ષેપ તેમજ અન્યાય હાલાકી વચ્ચે પણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા દુરસ્ત કરવા માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જે માટે નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વોટર વર્કસ ઈજનેર એમ.એન. નંદાણીયા તથા સ્ટાફે ઘી ડેમ ખાતે જરૂરી કામગીરી કરી અને શહેરમાં શનિવારથી જ પાણી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે કવાયત કરી હતી. જેથી નગરજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી સૌથી વધુ ખંભાળિયામાં 16 ઈંચ (392 મી.મી.), દ્વારકા તાલુકામાં સાડા બાર ઈંચ (316 મી.મી.), કલ્યાણપુર તાલુકામાં સાડા નવ ઈંચ (236 મી.મી.) અને ભાણવડ તાલુકામાં સાત ઈંચ (177 મી.મી.) વરસાદ વરસ્યાનું નોંધાયું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે.