બિપરજોય ચક્રવાતે જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસાવતા હાલારમાં આશરે 24 હજારથી વધુ વીજ થાંભલાઓ પડી ગયા છે. તેમજ આ ચક્રવાતને કારણે 726 ગામો પૈકીના 324 ગામોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજપૂરવઠો પૂર્વવ્રત કરી દેવામાં આવ્યો છે. જ્યારે 402 ગામોમાં હજુ પણ અંધારપટ્ટ છવાયેલો રહ્યો છે જ્યારે જામનગર શહેરમાં 65 થી 70 ટકા વિસ્તારમાં વીજપૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે.
હાલારના દરિયાકિનારે ત્રાટકેલા બિપરજોય ચક્રવાતને કારણે બન્ને જિલ્લાઓમાં વીજથાંભલાઓ અને અસંખ્ય વૃક્ષોનો સોથ વળી ગયો હતો આ ચક્રવાતને કારણે હાલારમાં 24 હજારથી વધુ થાંભલાઓ પડી ગયા હતાં અને 726 ગામડાઓમાં વીજપૂરવઠો ખોરવાઈ જતાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. ચક્રવાતે તબાહી સર્જતા પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હાલારને અંધારપટ્ટમાંથી બહાર લઇ આવવા માટે પીજીવીસીએલ દ્વારા સુરત, રાજકોટ, વડોદરા અને જૂનાગઢથી ટીમો બોલાવવામાં આવી છે. જેમાં સુરતની ટીમ પહોંચી ગઈ હતી. જ્યારે અન્ય શહેરોમાંથી ટીમો હવે આવશે.
જ્યારે જામનગર શહેરમાં 70 ટકા થી વધુ વિસ્તારોમાં વીજપૂરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીના 30 થી 35 ટકા વિસ્તારોમાં હજુ પણ અંધારપટ્ટ છવાયેલો રહ્યો છે. આ પરિસ્થિતિમાં આજે હાલારના પીજીવીસીએલ અધિક્ષક એલ.કે.પરમાર દ્વારા જણાવાયું હતું કે, અત્યારે પીજીવીસીએલની ટીમો તથા 426 લોકો બહારથી આવ્યા છે અને હાલારમાં છવાયેલા અંધારપટ્ટને ફરીથી શરૂ કરવા માટે કાર્યરત છે તેમજ જિલ્લામાં 109 ફિડરો પૈકીના 97 ફીડરો શરૂ કરી દેવામાં આવ્યા છે. તેમજ થાંભલા અને ટ્રાન્સફોર્મરને બને તેટલા ઝડપથી ચાલુ કરવા કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.