દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વાવાઝોડાની વ્યાપક અસર વચ્ચે અવિરત રીતે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આ દિવસોમાં બે થી આઠ ઈંચ સુધી સાર્વત્રિક વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા.
બિપોરજોય વાવાઝોડા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાટકેલા ભારે વરસાદમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં વધુ સાડા સાડા પાંચ ઈંચ (133 મિલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે દ્વારકામાં પણ સાડા ચાર ઈંચ (115 મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ (35 મિલીમીટર) અને ભાણવડમાં એક ઈંચ (21 મિલીમીટર) વરસાદ વરસી ગયાનું નોંધાયું છે.
ખંભાળિયા પંથકમાં ગઈકાલે શુક્રવારે આખો દિવસ હળવા તથા ભારે ઝાપટાનો દૌર યથાવત રહ્યો હતો મુશળધાર વરસાદના પગલે નીચાણવારા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જે માટે તંત્ર દ્વારા નોંધપાત્ર કવાયત કરવામાં આવી હતી. શુક્રવારે ઢળતી સાંજે પરિસ્થિતિ મહદ અંશે કાબુમાં આવી હતી.
આજે સવાર સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 16 ઈંચ (392 મિલીમીટર), દ્વારકામાં સાડા બાર ઈંચ (316 મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સાડા નવ ઈંચ (236 મિલીમીટર) અને ભાણવડ તાલુકામાં સાત ઈંચ (177 મિલીમીટર) નોંધાયો છે.
જિલ્લામાં આજસુધી કુલ સોળ ઈંચ સુધીનો વાવણી જોગ વરસાદ થતા અનેક ખેડૂતોએ વાવણીકાર્ય પણ આરંભી દીધું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડા પૂર્વે વીજતંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાવાઝોડા દરમિયાન તેમજ વાવાઝોડા પછી કરવાની થતી કામગીરીનું આયોજન થયું હતું. જેના પરિણામે ખૂબ મોટી સંખ્યામાં વીજપોલ ધરાશાયી થઈ ગયા હોવા છતાં પણ ગઈકાલે શુક્રવારે સાંજે જ ખંભાળિયા શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો. જેથી નગરજનોએ રાહતની લાગણી અનુભવી હતી.