આજે સવારે દ્વારકા આવી પહોંચેલા કેન્દ્રિય પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અહીં તૈનાત એનડીઆરેએફની ટુકડી સાથે ટુકડી સાથે મુલાકાત કરીને દ્વારકા જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. એન.ડી.આર.એફ.ટીમના ઇન્સ્પેક્ટર દેવ પ્રકાશજીએ કેન્દ્રીય મંત્રીને તેમની ટીમે કરેલી કામગીરી તેમજ સાધન સજ્જતા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા.
આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સર્જાયેલી વવાઝોડાની સ્થિતિ પર કેન્દ્ર સરકાર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબંધિત મંત્રીઓ તેમજ અધિકારીઓ પાસેથી વાવાઝોડા તેમજ બચાવ-રાહત અંગે આગોતરી ગોઠવાયેલી વ્યવસ્થા તેમજ કરાયેલી કામગીરીની માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સીધા સંપર્કમાં છે અને ગુજરાતની સ્થિતિ અંગે પળેપળની વિગતો મેળવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટુકડી તહેનાત થઈ ગઈ છે અને બીજી ટુકડી પણ આજ બપોર સુધીમાં આવી જશે. એસ. ડી.આર.એફ.ની ટુકડીઓ પણ તહેનાત કરાયેલી છે.
તેઓએ કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જેઓનું સ્થળાંતર કરવાનું હતું તેમાંના મોટાભાગના લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે. દ્વારકામાં સમાજના અગ્રણીઓ તથા એન.જી.ઓ. સાથે બેઠક કરી કરવામાં આવી હતી. જેમાં જરૂર પડ્યે સ્થળાંતરિત લોકોના નિવાસ માટે આશ્રયસ્થાન તરીકે સમાજની વાડીઓ ખુલ્લી મુકવા તેમજ ભોજન વ્યવસ્થા કરવા માટે સમાજના અગ્રણીઓ અને એન.જી.ઓ.એ તૈયારી દર્શાવી છે. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર, આપદા પ્રબંધન તંત્ર આ મુસીબતને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે.
આ પૂર્વે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને વાવાઝોડાનું સંકટ ટળે તે માટે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી હતી. આ દરમિયાન દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તેમજ અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.