જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં આધેડે તેની બેંકમાં લોન ચાલુ હોવાથી બે – ત્રણ હપ્તા ભરવાના બાકી હોવાના કારણે ચિંતામાં લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં આવેલા ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા લક્ષ્મીનગર શેરી નં.3 માં રહેતાં કરશનભાઈ અરજણભાઈ કટેશિયા (ઉ.વ.47) નામના આધેડને બેંકમાં લોન ચાલુ હોય અને તેના બે-ત્રણ હપ્તા ભરવાના બાકી હોવાથી ચિંતામાં સોમવારે સવારના સમયે લાલપુર તલાુકાના મોટી રાફુદડ ગામમાં આવેલા તેના ખેતરે જઈ ત્યાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર નરેન્દ્રભાઈ દ્વારા જાણ કરાતા હેકો એમ.કે. ગઢવી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતાં અને ખેતી કરતાં મેસાભાઇ નારણભાઈ કરમુર (ઉ.વ.52) નામના પ્રૌઢ શનિવારે રાત્રિના સમયે તેના ઘરે ફળિયામાં સુતા હતાં તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ધરણાંતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.