જામનગર મહાનગરપાલિકાના ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ રેસ્ટોરન્ટ સહિતના ખાણીપીણીની પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 15 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતાં તેમજ ત્રણ જેટલી શોપમાં લાયસન્સ ન હોય લાયસન્સ મેળવવા નોટિસ આપવામાં આવી હતી તથા વિવિધ હોટલોમાંથી અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના ખાટકીવાડ વિસ્તારમાં શબ્બીર કટારીયાની મીટશોપ, પટણીવાડમાં ઈસ્માઈલ હાજી ગઢવારાની ઈંડાશોપ તથા ખાટકીવાડની ફારૂક હાજી ઉસ્માનની મીટશોપ લાયસન્સ વગરની જણાતા વેચાણ બંધ કરાવી લાયસન્સ મેળવી લેવા નોટિસ આપી હતી. આ ઉપરાંત શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ પાંડેજી પાર્સલ પોઇન્ટમાં ચેકિંગ દરમિયાન મન્ચ્યુરીયન, નુડલ્સ, બાફેલા બટેટા તથા ભાત મળી ત્રણ કિલો જેટલા અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કર્યો હતો.
આ ઉપરાંત પટેલ કોલોનીમાં ભવાની પાઉંભાજીમાંથી બે કિલો ભાજી તથા પટેલ કોલોની વિસ્તારમાં આવેલ 4-ટીન રેસ્ટોરન્ટમાંથી ખીચડી, બાફેલા શાકભાજી, પાઉંભાજી, દાળ, બટેટા સહિત પાંચ કિલો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ કર્યો હતો તેમજ શંકર રેસ્ટોરન્ટમાં રૂબરૂ ઈન્સ્પેકશન દરમિયાન નોટિસ પાઠવી પેસ્ટ્રીસાઈઝ કરાવી ત્રણ દિવસમાં ખુલાસો આપવા તાકીદ કરી હતી. શહેરના પાણાખાણ વિસ્તારમાં કિસ્મત ચિકનશોપ, તકદીર ચિકન શોપ, રઝવી ચિકન શોપ, સલીમ ચિકનવારા, હની ચિકનશોપ અને નવાઝ ફીશ સેન્ટર લાયસન્સ વગરની પેઢી હોય ધંધો બંધ કરાવી નોટિસ પાઠવવામાં આવી હતી.
શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી 15 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના લઇ પરિક્ષણ માટે વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં હતાં તેમજ શહેરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં ફ્રેશકુલ આઈસ્ક્રીમ તથા ધાર શકિત ફરસાણ, પાંચહાટડી વિસ્તારમાં બાપુ ચણા બટેટા વારા, બાજરીયા રસ ડીપો, સિલ્વર ડેરી, સાહિલ ચણા બટેકા, એસ.કે. બ્રધર્સ, એચ.વી. પાનવાલા, નઇમ બુખારી, સમા રેસ્ટોરન્ટ, બિસ્મીલ્લાહ રેસ્ટોરન્ટ, કે.જી.એન.ટી. સેન્ટર, અજવા ડેરી, એસ.કે. રેસ્ટોરન્ટ, એ વન ફેમસ બોમ્બે બિરીયાની, પટેલ કોલોની વિસ્તારમાં સમોસા હબ, 4-ટીન રેસ્ટોરન્ટ, ભવાની પાઉંભાજી, અશ્રર રેસ્ટોરન્ટ, પુનમ ઢોસા, બજરંગ ઢોસા સેન્ટર, ક્રિષ્ના કેન્ડી, પાંડેજી પાર્સલ પોઇન્ટ, સન્ની પાજી દા ધાબા, આર.જે. સ્નેકસ એન્ડ નમકીન, આશાપુરા અલ્પાહાર, જય ભવાની વડાપાઉં, આરામ હોટલ, સંકલ્પ રેસ્ટોરન્ટ, યુ.એસ. પીઝ્ઝા, ટી પોસ્ટ સહિતની પેઢીઓમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.