Friday, October 18, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા અને જામજોધપુરમાં ચાર ઈંચ વરસાદ

ખંભાળિયા અને જામજોધપુરમાં ચાર ઈંચ વરસાદ

ભાણવડમાં પોણા ચાર, કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ : જામનગરમાં દોઢ, લાલપુરમાં સવા ઈંચ વરસાદ

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના પગરવ સંભળાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તેજ ફૂકાતા પવન સાથે ખંભાળિયા તથા જામજોધપુરમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભાણવડમાં પોણા ચાર ઈંચ, જામનગરમાં દોઢ ઈંચ, લાલપુરમાં સવા અને કાલાવડમાં એક ઈંચ પાણી વરસ્યું હતું. આ સાથે જુદા જુદા વિસ્તારોમાં થોડા ઘણા અંશે ખાના ખરાબી પણ જોવા મળી રહી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે ગઈકાલે વરસાદનું આગમન થયું હતું. બપોરે તેમજ સાંજે હળવા ઝાપટા બાદ ગત રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં સૌથી વધુ ખંભાળિયામાં ચાર ઈંચ (103 મિલિમિટર), ભાણવડમાં પોણા ચાર ઈંચ (92 મિલિમિટર), કલ્યાણપુરમાં અઢી ઈંચ (61 મિલિમિટર) અને દ્વારકામાં અડધો ઈંચ (14 મિલિમિટર) વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ધીમીધારે આવીરત વરસેલો આ વરસાદ ખેતરો માટે ફાયદાકારક અને વાવણી લાયક મનાઈ છે. આજે સવારથી વાદળોની આવન જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વરસાદના પગલે થોડો સમય હતો પણ ખોવાઈ ગયો હતો.

તેમજ જામનગર જિલ્લામાં પણ વાવાઝોડા બિપરજોયની અસરથી જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં જામજોધપુરમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસ્યું હતું અને જામનગર શહેરમાં સુસવાટા મારતા પવન સાથે દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો વરસાદ અને પવનને કારણે શહેરમાં અનેક સ્થળોએ ઝાડ તૂટીને પડી ગયા હોવાની ઘટનાઓ બની હતી. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી તેમજ લાલપુર અને કાલાવડમાં ધીમી ધારે પવનની સાથે સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે ધ્રોલ અને જોડિયા પંથકમાં પવનની સાથે સામાન્ય ઝાપટાં જ વરસ્યા હતાં. હાલારમાં આજે બંદરો ઉપર 10 નંબરનું ભયાવહ સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને કલેકટરના નેજા હેઠળ એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, પોલીસ સહિતનું તંત્ર એલર્ટ રહ્યું છે. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા આર્મી-એરફોર્સ અને નેવીને પણ સાવચેત કરવામાં આવી છે જેથી કોઇ પણ પરિસ્થિતિ હોય તો સેના અને તંત્રની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડી શકાય.

- Advertisement -

મીની વાવાઝોડા જેવા પવન તેમજ સાથે વસેલા વરસાદના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા શહેરમાં મોરલી મંદિર પાસે આવેલા એક વિપ્ર આસામીનું જૂનું મકાન તેમજ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક કાચું મકાન પડી ગયું હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા તાલુકાના કોટા ગામે ભારે પવનના કારણે એક વાડીના મકાન પરના પતરા ઉડી ગયા હતા. ખંભાળિયા તાલુકાના પીર લાખાસાર ગામે પણ વાવાઝોડાની પરિસ્થતિને ધ્યાને લઈને તંત્ર દ્વારા સ્થાનિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે આવેલી એક નદીના કાંઠે કેટલાક આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવતા 35 ઘરમાં પાણી ભરાવાની સંભાવના પણ તંત્ર સમક્ષ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા પૂર્વે ભાણવડ તાલુકાના જામપર ગામે છેલ્લા ત્રણેક દિવસથી વીજ પુરવઠો ખોવાઈ જતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. આમ, વાવાઝોડા પૂર્વે હાલાકી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જે સામે તંત્ર પણ હાલ એક્શન મોડમાં આવી ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular