કેન્દ્રીય રાજય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા સાંસદ પૂનમબેન માડમે જોડિયા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લઇ બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ તૈયારીઓ તેમજ કામગીરીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
મંત્રી તથા સાંસદે જોડિયા, બાલંભા, રણજીતપર સહિતના ગામોની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ વિવિધ આશ્રયસ્થાનોની મુલાકાત લીધી હતી તેમજ આશ્રયસ્થાનોમાં રહેવા જમવા તથા શૌચાલય સહિતની તમામ સુવિધાઓ ચકાસી જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચન કરી સમીક્ષા કરી હતી.મંત્રીએ દરિયાકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી તેમજ ગ્રામજનો સાથે સંવાદ સાધી ચર્ચા તથા સુચનોની આપ લે કરી હતી.
ત્યારબાદ મંત્રીએ મામલતદાર કચેરી જોડિયા ખાતે મહેસુલ, પશુપાલન, પી.જી.વી.સી.એલ. ખેતીવાડી, આરોગ્ય, પોલીસ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી વાવાઝોડા સંદર્ભે હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો મેળવી હતી અને લોકો દરિયાકાંઠે ન જાય તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી, જરૂરી મશીનરીઓ ઉપલબ્ધ કરાવવી, અસરકર્તા ગામોનો સમયાંતરે પ્રવાસ કરવો અને લોકો ભયમુક્ત બને તે માટે લોકોમાં જાગૃતિ લાવવી સહિતના સૂચનો કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પ્રાંત અધિકારી ધ્રોલ, મામલતદાર જોડિયા વગેરે જોડાયા હતા.