જામનગર એસઓજી એ 49 દિગ્વીજય પ્લોટમાંથી એક શખ્સને રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતો ઝડપી લઇ કુલ રૂા.24700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ સૂર્યદેવ હોટલની પાછળ પ્રદ્યુમસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ જાડેજા પોતાની ભાડાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ગેસ ભરેલા બાટલામાંથી રીફીલીંગ કરતો હોવાની એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઈ જે.ડી.પરમાર તથા આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન પ્રદ્યુમસિંહ ઉર્ફે પદુભા પ્રવિણસિંહ જાડેજા નામના શખ્સને 15 નંગ નાના મોટા ગેસ ભરેલા તથા ખાલી બાટલાઓ, એક નંગ લોખંડનું પાનુ સહિત કુલ રૂા.24,700 ની કિંમતના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી રીફીલીંગ કરતો ઝડપી લીધો હતો અને આરોપી વિરૂધ્ધ સીટી સી માં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.