જામનગર મહાનગરપાલિકાની સ્વભંડોળની ગ્રાન્ટ હેઠળ પ્રવાસી શિક્ષકો ફાળવવાની માગણી સાથે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ-જામનગર દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક વિભાગમાં કુલ 83 અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 12 ળમીને કુલ અંદાજિત 95 જેટલાં શિક્ષકોની ઘટ્ટ છે. આ અંગે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી છે. આમ છતાં કોઇ નિર્ણય થયો નથી. હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કુલ 44 પ્રાથમિક શાળાઓનું સંચાલન થાય છે. આ શાળાઓ પૈકી મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટથી શૈક્ષણિક કાર્ય ઉપર અસર પહોંચી છે અને શિક્ષકોના કાર્યબોજમાં પણ વધારો થયો છે. તા. 5 જૂનથી શૈક્ષણિક સત્ર શરુ થયું છે અને આગામી તા. 12થી 14 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ યોજાનાર હોય, શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ નિવારવા વ્હેલી તકે કાર્યવાહી કરી મહાનગરપાલિકાની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી પ્રવાસી શિક્ષકો ફાળવવા મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી રાકેશ માકડીયા દ્વારા માગણી કરવામાં આવી છે.