વર્ક ફ્રોમ હોમ માટે ટેલીગ્રામમાં ફેક ગ્રુપ બનાવી તેના માધ્યમ દ્વારા ફેક મુવી રેટીંગ વેબસાઈટ બનાવી લોકો સાથે ઠગાઈ કરતી ગેંગના વધુ એક આરોપીને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે સુરતથી ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ખાનગી નોકરી કરતાં લોકોને ટેલીગ્રામમાં પાર્ટટાઈમ જોબ ઓફર મેસેજ આવ્યા હતાં. જેમાં ઘરે બેઠા જોબ કરવી હોય તો મુવી રેટીંગ આપો તો પ્રતિદિવસ 2500-5000 જેટલી આવક મળશે. તેમ જણાવી ફેક વેબસાઈટમાં લોગીન કરાવી ટેલીગ્રામ ગ્રુપના મેમ્બર બનાવવામાં આવ્યાં હતાં અને 28 ટીકીટ મેળવી ટીકીટ ખોલી તેમાં રેટીંગ અપાવી ફરિયાદીના ખાતામાં ડબલ પૈસા જમા કરાવી ફરિયાદીને લલચાવી – ફોસલાવી વધુ ટિકિટની ખરીદી કરાવી કટકે-કટકે પૈસા ભરાવ્યા હતાં અને તે પૈસા પરત મેળવવા માટે 50 ટકા સરચાર્જ ભરાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે જામનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી.ઝા સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીના લોકેશન સુરત આવતા હોય, દરમિયાન હેકો પ્રણવભાઈ વસરા, એલઆરપીસી વીકી ઝાલા તથા કલ્પેશ મૈયડ દ્વારા આરોપી કૌશિક ઉર્ફે કડી કાઠીયાવાડી અશ્વિન નિમાવત નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ઉપરાંત આ કેસમાં અગાઉ સ્મીત ઝવેર પટોડીયા નામનો શખ્સ પણ ઝડપાયો હોય, સાયબર ક્રાઈમ દ્વારા કુલ 2 આરોપી આ કેસમાં ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.