ટેસ્ટમાં ચેમ્પિયનનો તાજ હાંસલ કરવા માટે આજથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ દિવસનો જંગ શરૂ થશે. કૌશલ અને ઉત્સાહથી ભરપૂર ટીમ ઈન્ડિયા હવે ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઉતરશે તો તેની નજર આઈસીસી ટ્રોફીના એક દશકાથી ચાલ્યા આવતાં દુકાળનો અંત લાવવા પર રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પાછલી બે સીઝનથી ભારત સૌથી નિરંતર પ્રદર્શન કરનારી ટીમ રહી છે. ભારતે પાછલો આઈસીસી ખિતાબ 2013માં ઈંગ્લેન્ડમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીત્યો હતો.ટીમ મેનેજમેન્ટે નિર્ણય લેવો પડશે કે ઈશાન કિશનના રૂપમાં એક્સ ફેક્ટર જોઈએ છે કે પછી કે.એસ.ભરતના રૂપમાં વધુ વિશ્ર્વસનિય વિકેટકિપર ફાસ્ટ બોલિંગ વિભાગમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સીરાજનું રમવું નિશ્ર્ચિત છે. ત્રીજા વિકલ્પના રૂપમાં અનુભવી ઉમેશ અને ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રોહિત શર્મા ગઈકાલે નેટમાં બેટિંગ કરતી વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા કરી બેઠો હતો. લંડનમાં વાદળોની અવર-જવર વચ્ચે રોહિત ટીમના ત્રણ અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવા ઉતર્યો હતો. રોહિત સાથે અશ્વિન, ઉમેશ, ભરત ઉપરાંત ટીમના નેટ બોલરો હાજર હતા. થ્રો-ડાઉન પર પ્રેક્ટિસ દરમિયાન બોલ લાગવાથી રોહિતને ઈજા પહોંચી હતી. જો કે આ ઈજા બહુ ગંભીર નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે આમ છતાં સાવધાનીના ભાગરૂપે રોહિતે પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. ભારતીય ટીમના મહત્તમ ખેલાડીઓ બે મહિના આઈપીએલમાં રમ્યા બાદ ટેસ્ટમાં ઉતરી રહ્યા છે. તેમણે ઈંગ્લેન્ડની સ્થિતિમાં એક સાથે પ્રેક્ટિસ કરવા માટે એક સપ્તાહનો સમય જ મળ્યો છે. આધુનિક તબક્કામાં ખેલાડીઓ પાસેથી વિવિધ ફોર્મેટમાં તાલમેલ બેસાડવાની આશા કરવામાં આવી છે પરંતુ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમવું ક્યારેય આસાન હોતું નથી. આ મુકાબલાને અલ્ટીમેટ ટેસ્ટ કહેવામાં આવી રહ્યો છે. તેમાં રોહિત અને વિરાટ કોહલી કોહલી જેવા અનુભવી ખેલાડીઓ ઉપરાંત શુભમન ગીલ જેવા ઉભરી રહેલા સીતારાઓની પરીક્ષા થશે. પુજારા કાઉન્ટી ક્રિકેટથી સારા ફોર્મમાં છે જે ફોર્મ આ મુકાબલામાં પણ જાળવી રાખવા માંગશે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ તરોતાજા થઈને ઉતરશે. મેચનું પરિણામ એ વાત પર નિર્ભર કરશે કે ફાસ્ટ બોલરો વિરુદ્ધ બન્ને ટીમના ટોપ ઑર્ડરનું પ્રદર્શન કેવું રહે છે. ઉસ્માન ખ્વાજાથી ટીમને ઘણી આશા રહેશે. ભારતે મેચ પર પકડ બનાવવી હોય તો સ્મિથને ઝડપથી આઉટ કરવો પડશે.