જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં શખ્સના મકાનના વાડામાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા.1,00,500 ની કિંમતની 201 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરના સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન શખ્સને દારૂની આઠ બોટલ સાથે ઝડપી લઈ પૂછપરછ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં પાણીના ટાંકા પાસે આવેલા રબારીપામાં રહેતાં લખમણ ઉર્ફે લાખો બધા ભારાઇ નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની પોકો અશોક ગાગીયા અને અરજણ ચાવડાને મળેલી બાતમીના આધારે પીઆઈ સી.એચ.પનારા, હેકો પી.પી. જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, અરજણભાઈ ચાવડા, માનસંગભાઈ ઝાપડીયા અને અશોકભાઈ ગાગીયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાનના વાડામાં કાંટાની વાડમાંથી તલાસી લેતા રૂા.1,00,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 201 બોટલ મળી આવતા દારૂનો જથ્થો કબ્જે લખમણની પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જૂનાગઢના રમેશ ઉર્ફે રોકી લાખા ભારાઈની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના સુભાષમાર્કે ભોયવાડા વિસ્તારમાં રહેતાં રાજેશ અશોક દાઉદીયાના મકાનમાંથી સીટી એ ડીવીઝન પોલીસે તલાસી લેતા રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે રાજેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ગુલાબનગરના જયકિશન રમેશ રાઠોડે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.