ઓખા મંડળના પોશીત્રા ગામે રહેતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના 42 વર્ષના અનુસૂચિત જાતિના યુવાને પોશીત્રા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પોશીત્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જ્યાં પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા તથા અન્ય બીજા પ્રશ્ર્નો વિશે રજૂઆત કરતા હોય, તે દરમિયાન આ સ્થળે આવી અને આ જ ગામના બાબુ ગોદળભાઈ ગાદ, ઘુંઘાભા પોલાભા ગાદ અને રમેશભા ગોદળભા ગાદએ કવેણ કહી અને અશોભનીય વર્તન કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.
એટલું જ નહીં, આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, કાંઠલો પકડી અને બાજુમાં પડેલા લોખંડના સળિયા વડે માર મારતા તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તેમના ઘરે જઈ અને ઘરે રહેલા ફરિયાદીના ભાઈ કેશાભાઈને પણ આરોપી બાબુભાઈ તથા રમેશભાએ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે મુરાભાઈ પાલાભાઈ પરમારની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.