ખંભાળિયા – દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર લીંબડી જતા હાઈવે માર્ગ પર આવેલા સીદસરા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 13 એ.એચ. 7315 નંબરની એક ઈનોવા કારના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા જીજે-07-એટી-1632 નંબરની એક રીક્ષાને અડફેટે લેતા આ રીક્ષામાં બેઠેલા વિજયાબેન જીવનભાઈ સિદ્ધપુરા નામના લુહાર મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત રીક્ષામાં જઈ રહેલા વિજયાબેનના પુત્ર કમલેશભાઈ, તેમના પત્ની તથા તેમના પુત્રીને પણ નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સાથે રીક્ષા ચાલકને પણ ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતક વિજયાબેનના પુત્ર કમલેશભાઈ જીવનભાઈ સિધ્ધપુરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઈનોવા કાર સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.