કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા પરબતભાઈ નાથાભાઈ પરમાર નામના 32 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમના નવ વર્ષના પુત્ર વિમલને સાથે લઈને ટંકારીયા ગામના બાલમંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક મોટરસાયકલ પર રોંગ સાઈડમાં આવી રહેલા રમેશ પબાભાઈ કાગડિયા અને શાંતીબેન રમેશ કાગડીયાએ પોતાનું મોટરસાયકલ ફરિયાદી પરબતભાઈ તથા તેમના પુત્ર ઉપર અથડાવવાના ઇરાદાથી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાની પણ પૂરી સંભાવના હોય જે બનાવમાં ફરિયાદી તથા તેમના પુત્ર એક બાજુ ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.
આ પછી આરોપીઓ દ્વારા ફરિયાદી પરબતભાઈ સાથે ઝઘડો કરી, તેમને બિભત્સ ગાળો કાઢી, ઝાપટ તથા ઢીકા પાટુનો મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પરબતભાઈને જ્ઞાતિ પ્રત્યે હળધુત કરી, અપમાનિત કરી અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 308, 323, 504, 506 (2), 114 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.