અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવતીકાલે રવિવારે જમાલપુરથી સાબરમતિ નદી સુધી જળયાત્રા યોજાશે. 108 કળશ, ધજાપતાકા અને ત્રણ બળદગાંડામાં જળ ભરીને લાવવામાં આવશે. સવારે 8 થી 10 વાગ્યા સુધી સાબરમતિ નદીના કિનારે પૂજાવિધી કરવામાં આવશે. 108 કળશમાં લાવવામાં આવેલાં જળ દ્વારા ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ જળયાત્રાનો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, અમદાવાદ મેયર કિરીટ પરમાર, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહેશે.આ વખતે ભગવાનના નવા રથો બનાવવામાં આવ્યા છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળશે અને નગરજનોને દર્શન આપશે. નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે. નવા રથ બનાવવા માટે 400 ઘનફુટ જેટલું સાગનું લાકડું અને 150 ઘનફુટ શીસમનું લાકડું ઉપયોગમાં લેવાયું છે.