Friday, January 10, 2025
Homeરાજ્યહાલારઓનલાઈન ભોજનનો ઓર્ડર આપી રેસ્ટોરન્ટ સંચાલક સાથે છેતરપિંડી

ઓનલાઈન ભોજનનો ઓર્ડર આપી રેસ્ટોરન્ટ સંચાલક સાથે છેતરપિંડી

- Advertisement -

ખંભાળિયામાં રહેતા એક હોટલના સંચાલક એવા વિપ્ર યુવાનને 400 માણસના જમણવારનો ઓર્ડર આપી, કથિત રીતે બેંકમાં ચેક જમા કરાવીને તેમની પાસેથી રૂપિયા 1.27 લાખનું ઓનલાઈન પેમેન્ટ પરત મેળવી, વિશ્ર્વાસઘાત કરવા સબબ ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા શખ્સ સામે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં કણઝાર હોટલ પાસે રહેતા શિવાલય પાર્ક સોસાયટીમાં રહેતા અને અત્રે મિલન ચાર રસ્તા પાસે સ્વાગત રેસ્ટોરન્ટના સંચાલક એવા જીતેશભાઈ માધવજીભાઈ થાનકી નામના 55 વર્ષના બ્રાહ્મણ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ***** 33162 મોબાઈલ નંબર ઉપરથી ગત તા. 6 એપ્રિલ 2023 ના રોજ તેમને ફોન આવ્યો હતો. સામે છેડેથી વાત કરી રહેલા શખ્સે તેમને જણાવ્યું હતું કે કાસમભાઈ ડેલાવાળાને ત્યાં અમે આશરે 400 માણસનું જમણવાર રાખેલ છે. તેમનું પાર્સલ કરીને મોકલવાનું છે.

જે સંદર્ભે રેસ્ટોરન્ટના સંચાલક દ્વારા તેમને રૂપિયા 72 હજાર એડવાન્સ જમા કરાવવા જણાવ્યું હતું. જેથી તેમણે આપેલી બેન્ક ડીટેઈલ પર તેમણે રૂપિયા 2.75 લાખનો ચેક જમા કરાવ્યો હોવા અંગેની બેન્કની રીસીપ્ટ – સ્લીપ મોકલી આપી હતી. આ પછી આરોપી શખ્સ દ્વારા ફરિયાદી જીતેશભાઈ થાનકીને ફોન કરીને જણાવ્યું હતું કે મારે આઈસ્ક્રીમ તથા પાણીવાળાને પણ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. જેથી આરોપી શખ્સના જણાવ્યા મુજબ તેમણે મોકલેલા ક્યુઆર કોડ મારફતે અલગ અલગ બે ટ્રાન્ઝેકશન કરી અને તેમણે રૂપિયા 42,500 અને રૂપિયા 65,000 પછી તેમને ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હોય અને બેંકના ક્યુ.આર. કોડ મોકલી રૂપિયા 19,500 મળી, આ ત્રણ ટ્રાન્ઝેકશન મારફતે કુલ રૂપિયા 1,27,000 ટ્રાન્સફર કરી આપ્યા હતા.

- Advertisement -

આ રકમ તેઓ દિલ્હીથી અહીં ફ્લાઈટમાં આવી અને આવશે ત્યારે આપી દેશે તેમ કહ્યું હતું. પરંતુ રૂપિયા 1.27 લાખ મેળવી લીધા પછી આરોપીનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો.

આ પછી, ફરિયાદી જીતેશભાઈએ કાસમભાઈના ઘરે જઈને તપાસ કરતા અહીં કોઈ જમણવાર કે પ્રસંગ ન હોવાનું જણાવ્યું હતું. આમ, 400 માણસના જમણવારનો ઓર્ડર આપી, કથિત રીતે રૂા. 2.75 લાખ બેંકમાં જમા કરાવ્યા હોવાનું જણાવી, રૂપિયા 1.27 લાખ મેળવી લઈ અને આ રકમની છેતરપિંડી થવા સબબ જીતેશભાઈ માધવજીભાઈ થાનકીએ સાયબર ક્રાઇમમાં કરેલી ફરિયાદના અનુસંધાને ખંભાળિયા પોલીસ મથકમાં ***** 33162 મોબાઈલ નંબર ધરાવતા શખ્સ સામે આઈ.પી.સી. કલમ 406, 420 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે આગળની તપાસ સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular