ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં રહેતાં યુવાને બાઈક સાઈડમાં રાખવાનું કહેતાં આ બાબતનો ખાર રાખી સાત શખ્સોએ યુવાન ઉપર પાઈપ-ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે રહેતા ઈબ્રાહીમભાઈ હાજીભાઈ ખફી નામના ચાલીસ વર્ષના સુમરા યુવાને આ જ વિસ્તારમાં રહેતા ગફાર અબુ નૂરમામદ, રજાક ગફાર હાસમ, યાસીન વલીમામદ, ઈકબાલ હુસેન, જાવેદ કાસમ, સાહિદ કાસમ અને હુસેન ઈસ્માઈલ નામના સાત શખ્સોને એકસંપ કરી અને બિભત્સ ગાળો કાઢી, કુહાડી, લોખંડના પાઈપ, લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી ઈબ્રાહીમભાઈના પિતા તથા પુત્ર મોટરસાયકલ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ આડે આરોપી ગફાર અને રજાક પોતાનું મોટરસાયકલ આડું રાખીને ઉભા હોય, જેથી તેઓએ વાહન સાઈડમાં રાખવાનું કહેતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે તમામ સાત શખ્સો આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 143, 147, 148, 149, તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી.ના વડપણ હેઠળ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.