જામનગર શહેરના ખોજાનાકા પાસે કબ્રસ્તાનની બાજુમાં રહેતા શખ્સના મકાનમાંથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજીની ટીમે 1870 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી નશીલા પદાર્થની હેરાફેરી થતી અટકાવવા પોલીસ સક્રિય બની ગઈ છે અને આ હેરાફેરી અટકાવવામાં મહદઅંશે સફળતા મળી છે. ત્યારે જામનગર શહેરના ખોજાનાકા વિસ્તારમાં ઘાંચીનીખડકી પાસે રહેતો શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની હેકો અરજણ કોડીયાતર અને લાલુભા જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજી પીઆઈ ડી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રેઈડ દરમિયાન મહમદ રફિક ઉર્ફે અબુડો આમદ સમા નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.1100 ની કિંમતનો 110 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન, રૂા.270 ની રોકડ રકમ મળી કુલ રૂા.1870 ના મુદ્દામાલ સાથો ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ ગાંજાનો જથ્થો જામનગરના મોરકંડા રોડ પર રહેતાં આસિફ ઉર્ફે રાજુ ગાભો અબ્દુલ વહાબ વેવારીયા નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફીયત આપી હતી.
જેના આધારે એસઓજીની ટીમે મહમદ રફિકની ધરપકડ કરી બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન એસઓજીના અરજણ કોડીયાતર, ચંદ્રસિંહ જાડેજા અને રમેશ ચાવડાને મળેલી બાતમીના આધારે નશીલા પદાર્થમાં ગુનામાં નાસતા ફરતા આસિફ ઉર્ફે રાજુ ગાભોે અબ્દુલ વહાબ વેવારીયા નામના શખ્સ રણજીતસાગર રોડ પર સંગમ બાગ નજીક ઉભો હોવાથી એસઓજીની ટીમે આસિફને દબોચી લઇ ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.