જામનગર તાલુકાના મોટાથાવરીયા ગામે સિમેન્ટના બાકી પૈસાની ઉઘરાણીને લઇ છ શખ્સો દ્વારા ત્રણ મહિલા સહિત ચાર લોકો ઉપર તલવાર વડે હુમલો કરી પગમાં ગાડીનું વ્હીલ ફેરવી દઇ ફેકટર પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસ દ્વારા છ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મોટાથાવરીયા ગામે રહેતા પુનિત કરમશીભાઇ મકવાણા નામના યુવાને આરોપી કમલેશ મોહન મકવાણાને સિમેન્ટ લેવડાવી હોય, આ અંગે પૈસા બાકી હોય, તેના જામીનમાં રહ્યો હતો. આથી યુવાન દ્વારા સિમેન્ટના બાકી પૈસાની તારીખ 26ના રોજ ઉઘરાણી કરતાં આરોપીઓ કમલેશ મોહન મકવાણા, દેવજી મોહન મકવાણા, પ્રવિણ મોહન મકવાણા, નયન દેવજી મકવાણા અને સુભાષ મુકેશ ખિમસુરીયા તથા વિજય પ્રવિણ મકવાણા નામના છ શખ્સો દ્વારા એકસંપ કરી ઇકો ગાડીમાં આવી ફરિયાદી પુનિત તથા વિજયાબેન, રીટાબેન અને સોનલબેનને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદી પુનિતને ઝપાઝપી કરી પાડી દઇ ઇકો ગાડીનું વ્હીલ પગના પંજા ઉપર ફેરવી દઇ ફ્રેકટરની ઇજા પહોંચાડી હતી. આ અંગે પીએસઆઇ જે.પી. સોઢા દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.